nanun sarakhun gokaliyun - Pad | RekhtaGujarati

નાનું સરખું ગોકળિયું

nanun sarakhun gokaliyun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નાનું સરખું ગોકળિયું
નરસિંહ મહેતા

(રાગ કાલેરો)

નાનું સરખું ગોકળિયું મારે વહાલે વૈકુંઠ કીધું રે;

ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. ના૦ ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાને ના’વે રે;

છાશ વલોવે નંદઘેર વહાલો વૃંદાવન ધેનું ચરાવે રે. ના૦ ર

વણકીધે વહાલો વતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રેઃ

માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકાસી રે. ના૦ ૩

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. ના૦ ૪

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997