નહીં જાઉં રે જમુના પાણીડાં
nahiin jaun re jamunaa paaniidaan
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
નહીં જાઉં રે જમુના પાણીડાં, મુને મારગડે નંદલાલ મળે;
બાળપણાની સહિયરું દેખે, હું રે ટળું પણ એ ન ટળે. ન૦
અમે અમારે મારગ જાતાં, કાનજી કાંકરડી નાખે રે;
દૂર થકી કોઈ દુરિજન દેખે, એવડી આળ કોણ સાંખે રે? ન૦
અમે રે આહીરડાં સદા સુંહાલાં, કઠિણ કઠોર પેલો કહાનુડો;
કંસરાયની આણ ન માને જશોદાનો કુંવર લાડકડો. ન૦
સાન કરે ને દેહી ૫રવશ થાયે, છાનો વાહે છમકલડો;
નરસૈંયાચા સ્વામીને ક્ષણ ન મેહેલું, જો આવે એ એકલડો. ન૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
