મુજને અડશો મા! આઘા રહો અલબેલા
mujne adsho maa! aaghaa raho albelaa
દયારામ
Dayaram
દયારામ
Dayaram
‘મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉ;
કહાનકુંવર! કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!' મુજને૦
‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો! મુજને૦
'કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?' મુજને૦
'તારે બીજા વરનું કામ શું છે? હું વર, તું વહુ ધન્ય!
જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય.' મુજને૦
સૂણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિઉત્તર ના દીધો;
હોળીની હાંસી મિશે દયાપ્રીતમ બેએ આનંદરસ લીધો. મુજને૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
