રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
મનમાં જાણે છે મરવું નથી રે
manma jane chhe marvu nathi re
દેવાનંદ
Devanand
તારા મનમાં જાણે છે મરવું નથી રે,
એવો નિશ્ચે કર્યો નિરાધાર;
તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ટેકo
ધન-દોલત, નારી ને ઘણા દીકરા રે,
ખેતીવાડી, ઘોડી ને દરબાર. તેમાંo ૧
મેડી મંદિર ઝરૂખા ને માળિયા રે,
સુખદાયક સોનેરી સેજ. તેમાંo ૨
ગાદી-તકિયા ને ગાલ-મસૂરિયા રે,
અતિ આડ કરે છે એ જ. તેમાંo ૩
નીચી કાંધ કરીને નમતો નથી રે,
એવું સાધુ સંગાથે અભિમાન, તેમાંo ૪
મરમાળી મોહનજીની મૂરતિ રે,
તેની સાથે ન લાગેલ તાન. તેમાંo ૫
પાપ અનેક જનમનાં આવી મળ્યાં રે,
તારી મતિ મલીન થઈ મંદ. તેમાંo ૬
દેવાનંદના વહાલાને વીસરી ગયો રે,
તારે ગળે પડ્યો જમ-ફંદ. તેમાંo ૭
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002