મોહનમાં મોહિની
mohanmaan mohinii
દયારામ
Dayaram
દયારામ
Dayaram
કિયે ઠામે મોહની ન જાણી રે મોહનજીમાં કિયે ઠામે મોહની ન જાણી?
ભ્રૂકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં કે શું મોહની ભરેલી વાણી રે?
મોહનજીમાં૦
ખીટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં કે મોરલી મોહનની પિછાણી રે?
મોહનજીમાં૦
શું મુખારવિંદમાં કે મંદ હાસ્યફંદમાં કે કટાક્ષે મોહની વખાણી રે?
મોહનજીમાં૦
કે શું અંગેઅંગમાં કે લલિત ત્રિભંગમાં કે શું અંગઘેલી કરે શાણી રે?
મોહનજીમાં૦
ચપળરસિક નેનમાં કે છાનીછાની સેનમાં કે જોબનનું રૂપ કરે પાણી રે?
મોહનજીમાં૦
દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે, તનમનધને હું લૂંટાણી રે!
મોહનજીમાં૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
