mata jasoda - Pad | RekhtaGujarati

માતા જસોદા

mata jasoda

પ્રેમાનંદ પ્રેમાનંદ
માતા જસોદા
પ્રેમાનંદ

માત જસોદા બોલીયાં, ઉદ્ધવ સાંભળો રે;

અમો અજ્ઞાનીને મંન, કાળો કામળો રે.

તેને ન ચડે દૂજો રંગ, પહેલીની શ્યામતા રે;

ગુણહીણ ગોવાળા લોક, જ્ઞાન નથી પામતા રે.

તમો કહો છો બ્રહ્મ, બ્રહ્માદિક તવ કળે રે;

હું કેમ કરી આણું વિશ્વાસ, બાંધ્યો મેં ઊખળે રે.

પ્રસવ સમેનો દિન, સ્ત્રીને હોયે દોહેલો રે;

ઉદરમાં દશ માસ, વહ્યો મેં સામળો રે.

પોડાડ્યો મેં પાલણે, ગાયાં હાલરૂં રે,

તે સુખ સંભારી જોઈ, રોઈ રોઈ મરૂં રે.

મુખ ઉપર આવતા કેશ, આંખડી મીંચતો રે;

સોને મઢ્યો સંહીનો નખ, હઈડે હીંચતો રે.

કુંડળનાં પ્રતિબિંબ, ગોરા ગાલમાં રે;

ટુંકડે પાગે ચાલતો, આ પરસાળમાં રે.

જળમાં ભરતો મૂઠ, દેખી ચંદ્ર ચળકતો રે;

વઢતાં બે મંજાર, માહારી કોટે વળગતો રે.

ગોવિંદ બોલે ગુંગણું, મુખ ભર્યું માટિયે રે;

તે સુખ સંભારી જોઈ, અમો નવ ફાટિયે રે.

ઘુઘરીઆળી ગોફણી, લટકે નાકે મોતી રે;

ઠમક ઠમકડે ચાલતો, હું પૂંઠે જોતી રે.

રોતો ખુંચતા ઘુઘરા, પાગની પાંનીયે રે;

તમો કોહો એ બ્રહ્મ, અમો કેમ માનીયે રે.

ત્રણ ભોવનનો નાથ, ચારે કેમ ગાવડી રે;

પ્રેમાનંદ પ્રભુની, હું તો માવડી રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928