મનજી! મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી
manjii! musaaphar re! chalo nij desh bhani
દયારામ
Dayaram
દયારામ
Dayaram
મનજી! મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!
મુલક ઘણા જોયા રે! મુસાફરી થઈ છે ઘણી!
સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ!
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમજીને ચાલો સૂધા રે! ના જાશો ડાબા કે જમણી. મનજી!૦
વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બેચાર,
માટે વળાવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે! બતાવી ગતિ સહુ તે તણી. મનજી!o
માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારુ રે! ના થાવું વહોરતના ધણી. મનજી!o
જોજો, જગત થકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસદયાને એમ ગમે છે - હાવાં જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાવાં એવું રે! અવધ થઈ છે આપણી! મનજી!o
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
