maarun man mohyun vaansaldine shabde kaanad - Pad | RekhtaGujarati

મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ

maarun man mohyun vaansaldine shabde kaanad

દયારામ દયારામ
મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ
દયારામ

મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ! કાળા.

હું તો ઘેલી થઈ, મારા ઘરમાં નથી ગમતું મારા વ્હાલા!

તુજ અધર ઉ૫ર વાજે છે, સૂણી અંતર મારું દાઝે છે,

એનો શબ્દ ગગનમાં ગાજે છે... મારું૦

વનમાં જ્યારે વાગે છે, મુને બાણ સરીખી લાગે છે.

મુને વ્રેહની વેદના જાગે છે... મારું૦

હું તો દો'તાં દોણી ભૂલી છું, વળી જમતાં અધૂરી ઝૂલી છું,

તારું મુખ જોઈ જોઈ હું ફૂલી છું... મારું૦

એણે તપની સાધના કીધી છે, કૃષ્ણે કૃપાસાધ્ય કરી દીધી છે,

માટે દયાપ્રીતમે કર લીધી છે... મારું૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995