દયારામ
Dayaram
માનીતી તું છે મોહન તણી હો વાંસલડી!
હો જી તુંને વ્હાલમ કરે છે ઘણું, વ્હાલ રે હો વાંસલડી!
મીઠો આવડો શો શોર? મોહ્યો નંદનો કિશોર,
તારું આવડું શું જોર? ભૂંડી! કાળજું મા કોર રે હો વાંસલડી!
પીએ અધરામૃત પિયુ તણું તું વાંસલડી!
અમારે શોક્યસરીખું તું સાલ રે હો વાંસલડી! મીઠો૦
વાજીવાજીને વિકળ કર્યા હો વાંસલડી!
તું તો પીડે અમારા પ્રાણ રે હો વાંસલડી!
સૂણતાં પડે છે હદે સોંસરાં હો વાંસલડી!
તારા ટૌકારાથી મોહબાણ રે હો વાંસલડી! મીઠો૦
ઝેર ઘણું છે તારી ઝપટમાં હો વાંસલડી!
ભલા તુંથી ભાલાતલવાર રે હો વાંસલડી!
એકી વારે જ તું હણી નાખની, હો વાંસલડી!
ઓ ભૂંડી! થોડે થોડે મા માર રે હો વાંસલડી! મીઠો૦
પતિવ્રતાનાં પણ તેં મુકાવિયાં હો વાંસલડી!
તેં તો છોડાવ્યાં સતીઓનાં સત્ય રે હો વાંસલડી!
વનવન કુંજેકુંજે ફેરવ્યાં તેં હો વાંસલડી!
તેં તો સૌની કરી છે એવી ગત્ય રે હો વાંસલડી! મીઠો૦
ગરજે ગુમાનભરી આવડી શું હો વાંસલડી!
તું તો જોની વિચારી તારી જાત રે હો વાંસલડી!
જોતાં તું તો કાષ્ઠ કેરો કરકડો હો વાંસલડી!
તુંને આજ મળી છે ઠકરાત રે હો વાંસલડી! મીઠો૦
તેં તો નાક ઘસાવ્યાં સૌ નારનાં હો વાંસલડી!
તેં તો લગાડ્યું લાલશું લગન રે હો વાંસલડી!
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી!
વ્હાલે માખણ ચોર્યું ને તેં તો મન રે હો વાંસલડી! મીઠો૦
માન ન રાખ્યું માનની તણું તેં હો વાંસલડી!
તેં તો સૌને કર્યાં પાયનામ રે હો વાંસલડી!
દયાના પ્રભુની દૂતી તું ખરી હો વાંસલડી!
સૌને તેડે તું બેઠી ઠામ રે હો વાંસલડી! મીઠો૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
