માને તમારું તે ઘેલડી છબીલા
maane tamaarun te gheldii chhabiilaa
દયારામ
Dayaram
દયારામ
Dayaram
માને તમારું તે ઘેલડી છબીલા! કહ્યું માને તમારું તે ઘેલડી!
શાને કાજે મને કહાવ્યું દૂતી સાથે શોધતી હતી જ્યારે છેલડી?
છબીલા!૦
હું શું જાણે જે મોઢે મીઠા, હૈયે જૂઠા?
જાણે જે હોય મનમેલડી. છબીલા!૦
ખરે પ્રભાતે મારે દ્વાર શીદ ઊભા?
આઘા રહો તો દેખશે સાહેલડી. છબીલા!૦
વણજ વિના જોખમ શીદ જોઈએ?
જાઓ જ્યાં કીધી રંગરેલડી! છબીલા!૦
અધઘડીનો પણ અંતર પડશે,
વળગાડી લાવશો ન બેલડી. છબીલા!૦
સિંચવી નો'તી ત્યારે રોપી શીદ રસિયા!
પ્રથમ થકી વ્હાલવેલડી? છબીલા!૦
આજ પછી કાંઈ કહેવું નથી મારે,
સુખે કરો કલોલકેલડી. છબીલા!૦
દયાના પ્રીતમ! ઘણા કહાવો ચતુર,
પણ પરખો ન એરંડો કે શેલડી! છબીલા!૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
