kubjaane kahejo re, odhav aetlun re - Pad | RekhtaGujarati

કુબજાને કહેજો રે, ઓધવ! એટલું રે

kubjaane kahejo re, odhav aetlun re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કુબજાને કહેજો રે, ઓધવ! એટલું રે
નરસિંહ મહેતા

કુબજાને કહેજો રે, ઓધવ! એટલું રે : હરિ-હીરો આવ્યો તારે હાથ;

જતન કરીને એને તું જાળવે રે, કહું એક શિખામણની વાત : કુ૦

૫રભાતે ઊઠીને પૂછજે રે, જે માગે તે આપજે તતખેવ;

બીજું તે કાંઈ ભૂધરને ભાવે નહીં રે, વહાલાને મહી-માખણની ટેવ. કુ૦

સેજ સમારજે પ્રભુજીની ફૂલડે રે, નિત્ય નિત્ય ધરજે નવલા રંગ;

ઝાઝો જગાડીશ જાદવરાયને રે, કોમળ કરમાશે એનું અંગ. કુ૦

શુક-સનકાદિક ને મુનિવર મોટા રે, કોઈ નવ લહે એનો પાર;

એને તે આઘો ઘડી નવ કીજીએ રે, ભોળી! મન આપીશ એંકાર. કુ૦

કંસની દાસી પેલી કુબજા રે, તેહનો શામળિયો ભરથાર;

નરસૈંયાનો સ્વામી તેણે વશ કર્યો રે, તેના પુણ્ય તણો નહિ પાર. કુ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994