mare war to withthalne warawun chhe - Pad | RekhtaGujarati

મારે વર તો વિઠ્ઠલને વરવું છે

mare war to withthalne warawun chhe

મીરાંબાઈ મીરાંબાઈ
મારે વર તો વિઠ્ઠલને વરવું છે
મીરાંબાઈ

મારે વર તો વિઠ્ઠલને વરવું છે, હાં હાં રે મારે૦

બીજાને મારે શું કરવું છે? મારે૦

નંદના કુંવર સાથે નેહડો બંધાણો રે,

મારે ધ્યાન ધણીનું ધરવું છે, હાં હાં રે મારે૦ બીજાને.

અવર પુરુષની મારે આશ કરવી રે,

મારે છેડલો ઝાલીને ફરવું છે, હાં હાં રે મારે૦ બીજાને.

સંસારસાગર મોહજળ ભરિયો રે,

મારે તારે ભરોસે તરવું છે, હાં હાં રે મારે૦ બીજાને.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

મારે રાસમંડળમાં રમવું છે, હાં હાં રે મારે૦ બીજાને.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997