halaraDun - Pad | RekhtaGujarati

હાલરડું

halaraDun

હરિ ભટ્ટ હરિ ભટ્ટ
હાલરડું
હરિ ભટ્ટ

માતા જશોદા બોલાવે જમવા લાલને,

ચાલો લાડકવાયા, લાગું તમને પાય;

તેમ તેમ રિસાઈને રંગરસિયોજી આવે નહીં;

પાછળ દોડે તેમતેમ નટવર નાસી જાય. માતા જશોદા૦

કાળા, કેમ સંતાપે મુજને, ઘરમાં કામ છે,

વાટ જુવે છે કાના, બેસી રહ્યા બળવીર;

તમને શિખામણ દેઉં છું તે કેમ નથી લાગતી?

શા માટે શામળિયા, ભરો નેત્રમાં નીર? માતા જશોદા૦ ૨.

આવા ઢોંગ ધતુરા જો કોઈ તુજમાં જાણશે,

ત્યારે પરણ્યાની શી થાશે હરિજી, પેર?

કોઈ કન્યા નહિ આપે કાના; કહું છું તુજને,

રાખી ડહાપણ, ચાલો રાડ તજીને ઘેર. માતા જશોદા૦ ૩.

હવે નહિ મારું, મારા સમ મુજને છે બાપના,

હું તો હારી તુજથી, તું જીત્યો જગદીશ;

શું કરું, લાડકવાયો એકનો એક છે નંદને,

શું કરું સાંખી રહું છું, બાકી ચઢે છે રીશ. માતા જશોદા૦

જેમ તેમ સમજાવી લઈ ચાલ્યાં સુંદરશ્યામને,

કટિયે બેસાડીને ચુંબન કીધું ગાલ;

મુખડાં નરખી હરખી રંગમાં રીઝ્યાં ઘણું,

લાવી મુખડા આગળ મૂકી કનકની થાળ. માતા જશોદા૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981