dhyan dhar hari tanun - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધ્યાન ધર હરિ તણું

dhyan dhar hari tanun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ધ્યાન ધર હરિ તણું
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ! જેણે કરી જન્મનાં દુઃખ જાયે;

અવર ધંધો કર્યે અરથ કંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુવહાયે. ધ્યા૦

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણનાં ચરણમાં, શરણ આવ્યે સુખ-પાર ન્હોયે;

અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. ધ્યા૦

પટક માયા પરી, અટક ચરણે-હરિ, વટક મા વાત સુણતાં સાચી;

આશનું ભવન આકાશ સુધી વિસ્તર્યું, મૂઢ! જો મૂળમાં ભીંત કાચી. ધ્યા૦

અંગ-જોબન ગયું, પલિત પીંજર થયું, તોયે લહેતો નથી કૃષ્ણ-કહેવું;

ચેત રે ચેત, દિન ચાર છે દાવના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. ધ્યા૦

સરસગુણ હરિ તણા, જે નરે અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે;

નરસૈયા રંકને પ્રીતપ્રભુ-શું ખરી, અવર વેપાર નહિ કૃષ્ણ તોલે. ધ્યા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997