કિયે ઠામે મોહની ન જાણી
kiye thame mohani na jaani
દયારામ
Dayaram
દયારામ
Dayaram
કિયે ઠામે મોહની ન જાણી રે,
મોહનજીમાં કિયે ઠામે?
ભ્રગુટિની મટકમાં કે ભાળવાની લટકમાં,
કે શું મોહની ભરેલી વાણી રે. મોહનજી...
ખીટળિયાળા કેશમાં કે મદન-મોહન વેશમાં,
કે મોરલી મોહનની છાણી રે. મોહનજી...
મુખારવિંદમાં કે મંદ હાસ્ય ફંદમાં,
કે કટાક્ષમોહની વખાણા રે. મોહનજી...
કે શું અંગ અંગમાં કે લલિત ત્રિભંગમાં,
કે શું અંગઘેલી કરી સ્યાણી રે. મોહનજી...
ચપળ રસિક નેનમાં કે છાની સેનમાં,
કે જોબનનું રૂપ કરે પાણી રે. મોહનજી...
દયા પ્રીતમ પોતે મોહની-સ્વરૂ૫ છે,
તંન મંન ધન હું લૂંટાણી રે. મોહનજી...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
