કાળજ કોર્યુ તે કોને કહીએ?
kajal koryu te kone kahiye
દયારામ
Dayaram

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?
વેરી હોય તો વઢતાં રે ફાવીએ,
પણ પ્રાણથી પ્યારો એને લહીરે રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ,
ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!
સોડનો ઘાવ માર્યો સ્નેહીરે શામળિયે!
કિયા રાજાને રાવે જઈએ રે? ઓધવ!
કળ ન પડે, કાંઈ પે૨ ન સૂઝે!
રાતદિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!
કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે,
અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજીને એટલું કહેજો :
ક્યાં સુધી આવાં દુઃખ સહીએ રે? ઓધવ!



સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010