kahaanudo chhogaalo sahune man vasyo re - Pad | RekhtaGujarati

કહાનુડો છોગાળો સહુને મન વસ્યો રે

kahaanudo chhogaalo sahune man vasyo re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કહાનુડો છોગાળો સહુને મન વસ્યો રે
નરસિંહ મહેતા

કહાનુડો છોગાળો સહુને મન વસ્યો રે, જે દિન નિરખ્યો જમુના-તીર;

અંગે તે ઓપે પીતાંબર પામરી, બાઈ! મારું પહેરણ નવરંગ ચીર. ક૦

ઝળહળ મોલીડું, મોહન મલપતો રે, કાને કુંડળ, કંઠે હાર;

મારે તે ચોળી નવરંગ ચમકતી હૈ, પાવલે ઝાંઝરનો ઝમકાર. ક૦

શામળિયો વજાડે સુંદર વાંસળી રે, અતિશે મીઠી મધુરી વાણ;

મોહન ભણી મેં જોયું ફરી રે, મારે તો બેડલાની થઈ હાણ. ક૦

ચિત્ત ચોર્યું છબીલે મારું છંદમાં રે, મારે તો જોબનિયાના દ(દિ)ન્ન;

જીવન જોવા મુને ચટપટી રે, નાગર નિરખ્યા તે ધન્ય ધન્ય. ક૦

ધન્ય ધન્ય ગોપી રે ગોકુળ ગામની રે, ધન્ય ધન્ય નૌતમ રાસ-વિલાસ,

ધન્ય ધન્ય લીલા રાધા-કૃષ્ણ તણી રે, ધન્ય ધન્ય ગાય નરસૈંયો દાસ. ક૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994