jibhalDi re! - Pad | RekhtaGujarati

જીભલડી રે!

jibhalDi re!

પ્રીતમ પ્રીતમ
જીભલડી રે!
પ્રીતમ

જીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે?

લવરી કરતાં નવરી મળે, બોલી ઊઠે સૌમાંથી રે.

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;

ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?

ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;

પરથમ તો મસ્તક નહિ નમતું, પછી નામ શું સંભળાવો રે?

રામનામનું દામ બેસે, કામ ખડે નહિ કરવું રે;

સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;

કહે પ્રીતમ પ્રભુ-નામ વિસાર્યુ, તે પ્રાણી પરપંચી રે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004