ભાલણ
Bhalan
ઉદ્ધવ કહેજો, દેવકીને એક વાત રે :
'પુત્રતણાં સુખ અમો ભોગવ્યાં, હવે તમે થાઓ માત રે. ઉદ્ધવ...
ખોળે બેસારી મેં ધવરાવ્યો, હસતું વદન મેં દીઠું રે
તે સુખ તો તમો નથી પામવું, અમૃત પેં અતિ મીઠું રે. ઉદ્ધવ...
કરે કરી નવનીત માગતો પ્રેમે કરતાં લાડ રે,
તે સુખ તો તમો નથી દેખવું, જો હિમે ગાળો હાડ રે. ઉદ્ધવ...
મુખ માંહે મુને દેખાડ્યું, તે ન દેખે બ્રહ્મા ઈશ રે,
તે સુખ તો તમે નથી દેખવું, જો શિવને ચઢાવો શિશ રે. ઉદ્ધવ...
આંખ આંજતી ને તિલક કરતી, વહાલો અધવચ જાતો નાસી રે;
તે સુખ તો તમો નથી દેખવું, જો કરવત મૂકો કાશી રે. ઉદ્ધવ...
ગિરિ ગોવર્ધન કર શું તોળ્યો, ગોકુલ રાખી ગાય રે;
તે સુખ તો તમો નથી દેખવું જો કનકે તોળો કાય રે. ઉદ્ધવ...
રંગે રાતો, વાંસળી વાતો, રમતો અજીર મુઝાર રે,
તે સુખ તો તમો નથી દેખવું જો કોટિક લો અવતાર રે. ઉદ્ધવ...
ગોપી જે વારે ઓલંભે આવતી, જૂઠો જૂઠો રોતો રે,
તે કૌતુક બ્રહ્માદિક આવી વિસ્મય પામી જોતો રે. ઉદ્ધવ...
ગૌધન ચારી ઘેર આવતો ત્યારે દેતી સાંઈ રે,
તે સુખ આગળ સ્વર્ગને વૈકુંઠ મુજને ન ભાવે કાંઈ રે. ઉદ્ધવ...
પુનરપિ દ્વાપર, ગોકુલ માંહે કહાનજી અવતરશે રે.
ત્યારે ભાલણ પ્રભુ રઘુનંદન અમશું એમ જ કરશે રે. ઉદ્ધવ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
