nam samjine besi rahiye re - Pad | RekhtaGujarati

નામ સમજીને બેસી રહીએ રે

nam samjine besi rahiye re

બાપુસાહેબ ગાયકવાડ બાપુસાહેબ ગાયકવાડ
નામ સમજીને બેસી રહીએ રે
બાપુસાહેબ ગાયકવાડ

નામ સમજીને બેસી રહીએ રે,

ભાઈ રે, નામ સમજીને બેસી રહીએ,

આત્મા ચીનીને મનમાં મગન થઈએ રે,

ભાઈ રે નામ સમજીને બેસી રહીએ. ટેક૦

રામ ને રહેમાન તમે એક ભાઈઓ જાણજો,

કૃષ્ણ ને કરીમ એક કહીએ;

વિષ્ણુ બિસમિલ્લામાં ભેદ નથી ભાળ્યો,

અને અલ્લા અલખ એક લહીએ રે. ભાઈ રે, નામ૦

ગફુર ગોવિંદ રહીમ એક તમે જાણજો,

મૌલા માધવ ગુણ ગાઈએ;

હરિ-હક્કતાલાનો ભેદ મેં તો જાણ્યો,

હવે ચોરાશી માર નવ સહીએ રે. ભાઈ રે, નામ૦

પરવરદીગાર પરમેશ્વર એક તમે જાણજો,

નબી નારાયણ ચોંટ્યો હૈયે;

ચોખા ને ચાવલ, પણ ડાંગર એક છે,

એવું સમજે તેના ચેલા થઈએ રે. ભાઈ રે, નામ૦

બાપુસાહેબ નામ પાક છે, ને બીજું નાપાક છે,

એવું સમજ્યા કહોને ક્યાં જઈએ;

જે સાધન કરે તેમાં પડે સાંસો,

અમો બ્રહ્મજળમાં તો નિત્ય નાહીએ રે. ભાઈ રે નામ૦

સ્રોત

  • પુસ્તક : મઘ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 275)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1998