નાણું આપે નરભો રે
naanun aape narbho re
નરભેરામ
Narbheram

નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠે બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા. ટેક.
કપટી કેશવ જાણત તો શાને, આવત પચાશ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટે મળવા ધશ્યું મન;
દરશન દ્યોને રે, દૂર કરી પાળા. નાણું૦
ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ,
પાઘડી ભાળી છાપ ખાળી છબિલા, પરીક્ષા તો એવી કરી!
સમશ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા! નાણું૦
હારો છો જનથી નથી હરવાતા, માટે હરિ! હડ મેલ,
કહે નરભો છોટાલાલપ્રતાપે, નથી એ તલમાં તેલ;
લેવાનું મુજ પાસે રે, હરિ હરિ જપ માળા! નાણું૦



સ્રોત
- પુસ્તક : નરભેરામકૃત કવિતા (પ્રાચીન કાવ્યમાળા ભાગ ૨૨) (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા, નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- વર્ષ : 1891