haavaan hun sakhii! nahiin bolun re nandkuvarnii sang - Pad | RekhtaGujarati

હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગ

haavaan hun sakhii! nahiin bolun re nandkuvarnii sang

દયારામ દયારામ
હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગ
દયારામ

હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગ;

મુને 'શશીવદની' કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે. હાવાં૦

ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે;

પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે. હાવાં૦

તે કરતાં 'ચંદ્રવદની' કહી તો ઠર્યા હું ને ચંદ્ર એક રાસે રે;

ત્યારે મુજ મુખ પાખે શું અટક્યું છે? જોશે ચંદ્ર આકાશે. હાવાં૦

નહીં તો શિવને સમીપ રાખશે ને ભાલે ચંદ્ર દેખાશે રે;

પ્રસન્ન થઈ પાસે રહેશે, નહિ તો કહેવાય નહીં નિજ દાસે. હાવાં૦

એવડો શ્રમ પણ શીદ કરે? જુઓ, ચંદ્ર પોતાની પાસે રે;

વામ ચરણમાં ઇન્દુ અચળ છે, શીદ રહે અન્યની આશે? હાવાં૦

દયાના પ્રીતમને કહે સખી, જુઓ, શશીમુખ સરખું સુખ પાસે રે;

કોટિપ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે. હાવાં૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995