હાં રે કોઈ માધવ લ્યો
Ha Re Koi Madhav Lyo
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે. હાં રે...
માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે. હાં . રે...
હાં રે ગોપી ઘેલી શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે. હાં રે...
નવ માનો તો જુઓ ઉતારી, માંહી જુઓ તો કુંજબિહારી રે. હાં રે...
વૃંદાવનમાં જાતા દહાડી, વા'લો ગૌ ચારે છે ગિરિધારી રે. હાં રે...
ગોપી ચાલી વૃંદાવન વાટે, સૌ વ્રજની ગોપીઓ સાથે રે. હાં રે...
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, જેનાં ચરણકમળ સુખસાગર રે. હાં રે...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
