ગોરી! તારાં નેપુર રણઝણ વાજણાં રે
gorii! taaraa nepur ranjhan vaajnaan re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ગોરી! તારાં નેપુર રણઝણ વાજણાં રે, વાજ્યાં કાંઈ માઝમ રાત મોઝાર;
સૂતું નગર બાધું જગાડિયું તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર. ગો૦
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્યો પડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ! ગો૦
કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે, સાયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, ૫રણ્યો કાઢી ક્યમ મુકાય? ગો૦
મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે! હું રે વેડું ને તું રે ચાખ. ગો૦
મારે આંગણ દ્રાખ, બિજોરડી રે, બિચ બિચ રોપી તે નાગરવેલ;
નરસૈયાચો સ્વામી મંદિર પધારિયો રે, હૈડું થયું છે કોમળ ગેહેલ. ગો૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
