tun mare chandaliye chotyo - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું મારે ચાંદલિયે ચોટ્યો

tun mare chandaliye chotyo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
તું મારે ચાંદલિયે ચોટ્યો
નરસિંહ મહેતા

તું મારે ચાંદલિયે ચોટ્યો શા રે મહૂરતમાં, શામળિયા?

એક ઘડી અળગો નવ મેલું, પ્રાણના જીવન પાતળિયા! તું૦

ખડકીએ જોઉં ત્યારે અડકીને ઊભો, બારીએ જોઉં ત્યાં બેઠો રે;

શેરીએ જાતાં સામો રે મળે, અમૃત-પે અતિ મીઠો રે. તું૦

જમવા બેસું ત્યાં જોડે દેખું, સૂતાં જોઉ સેજડીએ રે,

વૃંદાવનની વાટે જાઉં ત્યાં આવીને વળગે બેલડીએ રે. તું૦ 3

સાસુ-નણંદ કહે છે મુજનેઃ ‘તું નંદકુંવરને છે વહાલી રે;'

જમુના પાણી ભરવા જાતાં પાલવડો રહે છે ઝાલી રે. તું૦

પ્રીત કરે તેની પૂઠ મેલે, એવો વહાલો રસિયો રે;

નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રુદે-કમળમાં વસિયો રે. તું૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997