jago re - Pad | RekhtaGujarati

(રાગ પ્રભાતી)

જાગો રે, જશોદાના જીવન! વહાણલાં વાર્યાં;

તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં. જા૦

પાસું મરડો તો, વહાલા! ચીર લેઉ તાણી;

સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી. જા૦

પંખીડાં બોલે રે, વહાલા! રજની રહી થોડી;

સેજલડીથી ઊઠો, વહાલા! આળસડી મોડી. જા૦

સાદ પાડું તો, વહાલા! લોકડિયાં જાગે;

અંગૂઠો મરડું તો પગના ઘૂઘરા વાગે. જા૦

જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે;

નરસૈંયાચા સ્વામી વિના રખે વાહાણેલું વાયે. જા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997