halwe halwe - Pad | RekhtaGujarati

હળવે હળવે

halwe halwe

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
હળવે હળવે
નરસિંહ મહેતા

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;

મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે,

લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;

ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે.

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે.

જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;

મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997