અષાઢ ધડૂકે
ashadh dhaduke
પ્રાણનાથ સ્વામી 'ઈન્દ્રાવતી'
Prannath Swami 'Indravati'

મેઘલિયો આવીને અષાઢ ધડૂકે, સેરડિયો સામસામી રે ઢળૂકે,
મોરલિયા કોયલડી રે ટહૂકે, એણે સમે કંથ કામવિયુંને કેમ મૂકે?
હો શ્યામ! પીઉ પીઉ કરી રે પુકારું. ૧
વા’લા મારા! ભોમલડી રે નીલાણી, મેઘલિયો વળી વળી સીંચે પાણી,
વીજલડી ચમકે આભણ માણી, પીઉજી! તમે એણે સમે વેદના ન જાણી!
હો શ્યામ! પીઉ પીઉ કરી રે પુકારું. ૨
રે વા’લાજી! શ્રાવણિયો સળવળિયો, આભલિયો આવીને ભોમે લડસડિયો;
ચહુ દિશ ચમકે ગરજે ગળિયો, પિયુડો! તું હજીયે કાં અમને ન મળિયો?
હો શ્યામ! પીઉ પીઉ કરી રે પુકારું. ૩
પિયુજી! તમે પહેલી કાં પ્રીતડી દેખાડી? માંહેલા મંદરિયા કાં દીધા રે ઉઘાડી?
પિયુજી! તમે અનેક રંગે રમાડી, હવે તો લઈ આસમાને, ભોમે પછાડી!
હો શ્યામ! પીઉ પીઉ કરી રે પુકારું. ૪



સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002