srishtismashya - Pad | RekhtaGujarati

(પદ)

રસ પાતાં રસ પી લે,

રસિકડા! રસ પાતાં રસ પી લે. (ટેક)

રસબસતો વસંતબ્હાર જો,

ફૂલફૂલાદિ ખીલે, રસિકડા! રસ પાતાંo

ઊભાં લાલસાથી લટકતાં,

વણ હીલવ્યાં શાં હીલે! રસિકડા! રસ પાતાંo

મૃદુ સુવાસ, મધુર રસ ઊભરા,

ભર વનમાળી ભરી લે, રસિકડા! રસ પાતાંo

પાકે ચ્હડ્યાં ફળ માગે ભોક્તા,

મનભાવ્યાં તોડી લે, રસિકડા! રસ પાતાંo

વાર નહીં મરી જતાં વિયોગે,

ક્યાં રે વીર! ઝીલી લે! રસિકડા! રસ પાતાંo

આવ ભ્રમર! ગુંજારવ કરતો!

કુંજ કુંજ તું ભમી લે, રસિકડા! રસ પાતાંo

રસિયા! લાડસઘેલી લાડીને

રોમરોમ અહીં રમી લે, રસિકડા! રસ પાતાંo

નાયક! સુખલાયક છું નાયિકા

સામે ઊભી, શોધી લે, રસિકડા! રસ પાતાo

વ્હેલો થા, મમ વ્હાલ વિકાસે,

આવ, ગળે વળગી લે, રસિકડા! રસ પાતાંo

વ્હેલો આવ, પણ જઈશ વ્હેલો,

હૃદય સદૈવ વસી લે, રસિકડા! રસ પાતાંo ૧૦

દે આલિંગન, મધુરું ચુંબન,

સુંદર અઘર અમી લે, રસિકડા! રસ પાતાંo ૧૧

લે લે, લેતો જા, રસદાતા!

દઈ એકી, બેકી લે, રસિકડા! રસ પાતાંo ૧૨

છોડ ગ્લાનિ, વા હો ગુમાની,

લ્હાવ વાંકો વળી લે, રસિકડા! રસ પાતાંo ૧૩

લૂંટ, લૂંટાવા બેઠી લાડિલી,

લૂંટ, ભલે લૂંટી લે, રસિકડા! રસ પાતાંo ૧૪

ખોટી લાજ ઘટે શુભ કાજે,

સજ, રસશસ્ત્ર સજી લે, રસિકડા! રસ પાતાંo ૧૫

પડ મેદાન, શરણ ઊભી તુજ,

કેમ ઊભો મુખ વ્હીલે? રસિકડા! રસ પાતાંo ૧૬

જીત પ્રીતિધન જોતે જોતે,

જરી હારી જીતી લે, રસિકડા! રસ પાતાંo ૧૭

જીવન્મુક્તિ યુદ્ધ આધારે,

ઝડપ બીડું ઝડપી લે, રસિકડા! રસ પાતાંo ૧૮

મારવું તો, અમી પી મર, મધુકર!

મરી ઝટ ફરી જનમી લે, રસિકડા! રસ પાતાંo ૧૯

અનાયાસ સૃષ્ટિસમશ્યા

સમજ, ચતુર! સમજી લે! રસિકડા! રસ પાતાંo ૨૦

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000