dhanya re dhanya mahaa punya jashodaa tanun - Pad | RekhtaGujarati

ધન્ય રે ધન્ય મહા પુણ્ય જશોદા તણું

dhanya re dhanya mahaa punya jashodaa tanun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ધન્ય રે ધન્ય મહા પુણ્ય જશોદા તણું
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

ધન્ય રે ધન્ય મહા પુણ્ય જશોદા તણું, પુત્રભાવે પરિબ્રહ્મ રાજે;

નંદનો નંદ આનંદ થઈ અવતર્યો, શેષ બળિભદ્ર સંગે બિરાજે. ધ૦

અમર આહીર, અર્ધાંગ ગોપાંગના, વૃક્ષવેલી સરવ ઋષિ રે રાણી;

ભક્તિ તે રાધિકા, મુક્તિ જશોમતી, વ્રજ વૈકુંઠ વેદવાણી. ધ૦

નિગમ વસુદેવજી, ગાય ગોપી ૠચા, દેવકી બ્રહ્મવિદ્યા કહાવે;

બ્રહ્મા કરલાકડી, વેણુ મહાદેવજી : પંચ વદન કરી ગાન ગાવે. ધ૦

ઇંદ્રી અરજુન, અહંકા૨ દુર્યોધન, દેવતા સર્વે અવતાર લીધો;

ધર્મ તે રાય યુધિષ્ઠિર જાણજો, નરસૈંયો દાસનો દાસ કીધો. ધ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994