bholi re bharvadan hari ne vechva chali - Pad | RekhtaGujarati

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી

bholi re bharvadan hari ne vechva chali

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. ભોળી રે…

અનાથના નાથને વેચે આહીરની નારી;

શેરીએ શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મોરારી. ભોળી રે…

મટુકી ઉતારી માંહી, મોરલી વાગી;

વ્રજનારીને સેજે જોતાં, મૂર્ચ્છા લાગી. ભોળી રે…

બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા કૌતુક પેખે;

ચૌદ લોકના નાથને કાંઈ, મટુકીમાં દેખે. ભોળી રે…

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;

દાસલડાને લાડ લડાવે, નરસૈંનો સ્વામી. ભોળી રે…

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ