ભોળી ભરવાડણ
bholi bharvadan
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. ભોળી રે...
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે : લો કોઈ મોરારી. ભોળી રે...
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. ભોળી રે...
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળી રે...
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી રે...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
