shiwanun balkrishn darshan - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શિવનું બાલકૃષ્ણ દર્શન

shiwanun balkrishn darshan

રેવાશંકર રેવાશંકર
શિવનું બાલકૃષ્ણ દર્શન
રેવાશંકર

(ચંદ્રાવળા)

એક અવધૂત વિભૂત તન ધારી, અશ્રુત ઉજ્જવલ અંગ,

અકલ અરૂપ સકળ સુર સેવે, અદ્રિસુતા અરધંગ.

અદ્રિસુતા અરધંગ તે આણી, ડમરુ ડાક પિનાક છે પાણિ,

રેવાશંકર શુભકારી, એક અબધૂત વિભૂત તન ધારી.

આંગણે આવી અલખ જગાવી, કીધો શીંગીશોર,

નંદરાણી ગભરાણી ઘરમાં, ગોપમાં વાયો હોરઃ

ગોપમાં વાયો હોર તે જઈને, માતા મનમાં વિસ્મય થઈને,

સુતને લીધો હૃદય લગાવી, આંગણે આવી અલખ જગાવી.

જશોદા જોગીરાજને નીરખી, ભાવ ભરી ભરપૂર,

લ્યો ભિક્ષા રક્ષા કરો સુતની, દૃષ્ટિ પડે, રહો દૂર;

દૃષ્ટિ પડે, રહો દૂર દિગંબર, પે’રો તો આપું પટ અંબર;

હર ઉત્તર હવે દે છે હરખી, જશોદા જોગીરાજને નીરખી.

આદ્ય પુરૂષ ને અલખ નિરંજન, જે અનંત અવિનાશ,

રોમ રોમ બ્રહ્માંડ ભમે તે, પડખામાં લેઈ પાસ;

પડખામાં લેઈ પાસ પલંગે, અર્ભક જાણીને ઉછરંગે,

અંબુજ-આંખે આંજતી અંજન, આદ્ય પુરૂષ ને અલખ નિરંજન.

શ્રવણ સુણી શુભ વેણ શંકરનાં, વાધ્યો ચિત્ત વિચાર,

કારમો ક્યમ લઈ જાઊં કુંવરને, સર્વાંગે સુકુમાર;

સર્વાંગે સુકુમાર શરીરે, શિશુ સંકુચાયે શીત સમીરે,

વચન જાય ક્યમ જોગેશ્વરનાં, શ્રવણ સુણી શુભ વેણ શંકરનાં.

જશોમતી, બીજું કાંઈ જાચું, સાચું કહું સુણ વેણ,

અંતરમાં અભિલાષા એવી, નંદકુંવરને નેણ;

નંદકુંવરને નેણ નિહાળી, પુત્ર પધરાવ વચન પ્રતિપાળી,

રૂપ જેઈ હૃદયામાં રાચું, જશોમતી, બીજું કાંઈ જાચું.

જત્ન કરી જશોદા મહતારી, બાળક લાવી બહાર,

દર્શન કરી દિગંબર રીઝ્યા, ઉમંગ્યા ઉર અપાર;

ઉમંગ્યા ઉર અપાર અવિનાશી, કર્યું કુતૂહુલ કૈલાસવાસી,

તાંડન નૃત્ય કર્યુ ત્રિપુરારિ, જત્ન કરી જશોદા મહતારી.

પરસ્પરે પ્રભુતાયે પરખ્યા, રીઝ્યા હૃદય મોઝાર,

અદ્ભુત અવિગતની ગતિ દેખી, તૃપ્ત થયા ત્રિપુરાર;

તૃપ્ત થયા ત્રિપુરાર તે ટાણે, અન્યો અન્ય બન્યો મન જાણે,

રસિયા હરિ-હર હઈએ હરખ્યા, પરસ્પરે પ્રભુતાને પરખ્યા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981