aa joni, aa kenun paglun? - Pad | RekhtaGujarati

આ જોની, આ કેનું પગલું?

aa joni, aa kenun paglun?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
આ જોની, આ કેનું પગલું?
નરસિંહ મહેતા

(રાગ માલવ )

‘આ જોની, આ કેનું પગલું? પગલે પદ્મ તણું એંધાણ;

પગલા પાસે બીજું પગલું, તે રે સુહાગણ નૌતમ જાણ. આ૦ ૧

પૂરણ ભાગ્ય તે જુવતી કેરું, જે ગઈ વહાલાને સંગે,

એકલડી અધરરસ પીશે, રજની તે રમશે રંગે. આ૦ ર

અડવડતી આખડતી ચાલે, દેહદશા ગઈ ભૂલી;

નિશ્ચે હરિ આવ્યા આ વનમાં, જોજો કુમુદિની ફૂલી.' આ૦ ૩

પૂછે કુંજલતા-દ્રુમવેલી: ‘કાંઈ દીઠડો નંદકુમાર?

વૃક્ષ તણી શાખા રહી ફૂલી, અભિષેક કીધો નિરધાર.’ આ૦ ૪

નયણે નીર ને પંથ નિહાળે, 'કહાન કહાન' મુખ બોલે બાલ;

ચાલી ચતુરા સરવ મળીને, વનમાં ખોળે નંદનો લાલ. આ૦ પ

જોતાં જોતાં વનમાં આવ્યાં, દીઠી એક સાહેલી:

‘ધૂતારાનાં લક્ષણ જોજો, ગયો એકલડી મેલી.’ આ૦ ૬

દીઠો નાથ નવ, ગોપી આવ્યાં પાછાં જમુના-તીર;

રાસલીલા કીધી તે વારે, પ્રગટ્યા હળધર-વીર. આ૦ ૭

રાસ આરંભ્યો, સર્વ શ્યામા મળી, સુરિનરે 'જય જય’ કીધો;

ગોપીમાં હુતો. નરસૈંયો, પ્રેમ-સુધારસ પીધો. આ૦ ૮

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997