પદ
પદ એ ઊર્મિપ્રધાન, ગેય અને લઘુકદ ધરાવતો કાવ્યપ્રકાર છે. આપણા જાણીતા મધ્યકાલીન કવિઓ નરસિંહ, મીરાં, ધીરો, ભોજો, દયારામ વગેરેએ જે લઘુકદના કાવ્યો લખ્યાં એ પદના નામે ઓળખાય છે. પ્રાચીન સમયથી વિવિધ રાગ, ઢાળ, તાલ પ્રયોજીને લખાયેલા અને વિવિધ વિષયોને નિરૂપતા પદો મળે છે. મધ્યકાલીન ગુજરાતી ભક્તિમાર્ગી અને જ્ઞાનમાર્ગી કવિઓનું કાવ્યસર્જન મુખ્યત્વે પદસ્વરૂપમાં થયેલું જોવા મળે છે. પદ એક વ્યાપક સ્વરૂપ છે. જુદા જુદા ભાવો વ્યક્ત કરતાં પદો જુદા જુદા નામે ઓળખાયાં છે. જેમ કે નરસિંહનાં પ્રભાતિયાં, ધીરાની કાફી, ભોજાનાં ચાબખા, દયારામની ગરબી વગેરે પદના જ પ્રભેદો છે. જે પદોમાં ઈશ્વરભક્તિનો ભાવ કેન્દ્રમાં હોય એવાં પદો 'ભજન' નામે ઓળખાય છે.