kaulej jatan - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૉલેજ જતાં

kaulej jatan

આસિમ રાંદેરી આસિમ રાંદેરી
કૉલેજ જતાં
આસિમ રાંદેરી

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે.

મને દિલની ધડકન ખબર દઈ રહી છે.

પ્રણય - રૂપના રંગ જોવાને માટે

બધાની નજર તે તરફ થઈ રહી છે.

જુઓ ‘લીલા' કૉલેજમાં જઈ રહી છે.

કમલ જેવા કરમાં પુસ્તક ઉઠાવી,

પ્રણય-ઊર્મિઓ મનની મનમાં શમાવી,

મનોભાવ મુખ પર દેખાય તેથી

અદાથી જરા ડોક નીચી નમાવી,

મને અવનવી પ્રેરણા દઈ રહી છે! જુઓ ‘લીલા’...

છે લાલિત્યમાં જે લચકતી લલિતા,

ગતિ એવી, જાણે સરકતી સરિતા,

કલાથી વિભૂષિત કલાકાર માટે;

કવિ કાજ સુંદર બનીને કવિતા,

પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે! જુઓ ‘લીલા’...

સુરમો, કાજલ, પાવડર, લાલી,

છતાં એની રંગત છે સૌમાં નિરાલી !

બધી ફૅશનેબલ સખીઓની વચ્ચે

છે સાદાઈમાં એની જાહોજલાલી!

શું ખાદીની સાડી મજા દઈ રહી છે! જુઓ ‘લીલા’....

સરળથીય એની સરળ છે સરળતા,

નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,

લખું તોય લખતાં ના કાંઈ લખાયે

શમી જાય છે ભાવ હૈયે ઊછળતા!

અજબ મારા મનની દશા થઈ રહી છે ! જુઓ ‘લીલા’...

કરે છે જાણે-અજાણે જો દૃષ્ટિ,

નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ!

મધુરો, મનોરમ્ય મલકાટ એનો

છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ!

નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે! જુઓ ‘લીલા’...

ભલા! કોણ જાણે કે કોને રીઝવવા?

અને કોના દિલની કળીને ખીલવવા?

રે! દરરોજ બેચાર સખીઓની સાથે;

જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા?

સમજાય તેવી કલા થઈ રહી છે! જુઓ ‘લીલા’...

કોઈ કે'છે : જાયે છે ચિત્રો ચીતરવા,

કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા!

કોઈ કેમ સમજે બાબતને ‘આસિમ’?

અધૂરા પ્રણય-પાઠને પૂર્ણ કરવા

દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે! જુઓ ‘લીલા’...

સ્રોત

  • પુસ્તક : ‘આસીમ’ રાંદેરીની ચૂંટેલી ગઝલો ‘લીલાયન’ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : હરજીવન દાફડા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022