yaad hun awish - Nazms | RekhtaGujarati

યાદ હું આવીશ

yaad hun awish

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
યાદ હું આવીશ
દીપક બારડોલીકર

ભલે જે આજે હું દરિયાપાર બેઠો છું

વિખૂટો થૈ ગયો છું ને વિદેશી પણ

મગર બારડોલી, હું નથી ભૂલ્યો

છે દિલમાં તું ને તારી સર્વ શેરી પણ

ઘણું લાધ્યું હતું તારી ગલીઓમાં

અજબ એવી જવાની પણ, મહોબત પણ

ચમત્કારો હતા શક્તિના અંગોમાં

વિદેશોમાં છે ખોવાઈ સંપત પણ

હતાં થોડાં ગુલાબો મનના ભાથામાં

નથી એની નિશાનીઓ રહી બાકી

બચાવીતી સુધા બહુમૂલ્ય ટૌકાની

હવે ના છે પ્યાલીઓ રહી બાકી

મગર બારડોલી, બોમકા મારી

વિચારું છુ તને, હું તારો શાયર છું

રિઝાવી દઉં તને મોતીની સોગાતે

કે હું ક્યાલો અને ખાબોનો સાગર છું

મહોબત છે મને વનરાઈથી તારી

તારી વસ્તીઓ, નમણાઈથી તારી

છે તારું નામ મુજ ઉપનામની સાતે

રહે છે જેમ રાધા શ્યામની સાથે

ભલે આજે હું દરિયાપાર છું, કિંતુ

થઈને પ્યારનો એહસાસ હું આવીશ

તું વિસરાવી નહીં શકશે શાયરને

તને બારડોલી, યાદ હું આવીશ

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 284)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007