vairag - Nazms | RekhtaGujarati

એ જ બગીચો, એ જ છે માલી,

એ જ ઉષા – સંધ્યાની લાલી,

કેફ છલોછલ પુષ્પની પ્યાલી

કોયલ, બુલબુલ ડાલી ડાલી,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

એ જ બહારો બાગની અંદર,

પ્રેમનાં જાદૂ, રૂપનાં મંતર,

એ જ પતંગા દીપના ઉપર,

એ જ કમળ છે એ જ મધુકર,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

એ જ ફુવારો ને ફુલવારી,

રંગબેરંગી ક્યારી ક્યારી,

મખમલ સમ આ ઘાસ-પથારી,

જે પર દિલની દુનિયા વારી!

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

એ જ હજી છે જૂઈ-ચમેલી.

આગિયાઓની જ્યોત જડેલી,

આંબા ડાળે જુઓ પેલી;-

એ જ ચકોરી ચંદા-ઘેલી,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

ચાંદ-સિતારા એ જ ગગનમાં,

મસ્તી એની એ જ પવનમાં,

તાપી પણ છે એ જ વહનમાં,

એ જ ઉમંગો મારા મનમાં,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

‘વડ’ પર બન્ને નામ હજી છે,

થડ પર કોતરકામ હજી છે,

બે મનનું સુખ-ધામ હજી છે,

સામે મારું ગામ હજી છે,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

એ જ છે રૉનક તાપી-તટપર,

એ જ છે સામે લીલાં ખેતર,

વર્ષાની ઝરમરમાં મનહર;-

દૂર દિસંતાં મસ્જિદ-મંદર,

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

લ્યો, એ સામે આવી ‘શીલા’,

સાથ ‘સુનીલા’ એ જ ‘જમીલા’

જોવા રાણીબાગની લીલા!

આવી છો તો બોલ ‘સુનીલા’?

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

‘આસિમ’! આજે રાણીબાગે,

ઊર્મિને કાં ઠેસ ન વાગે?

મસ્ત પવનમાં પુષ્પ - પરાગે,

કેમ મને વૈરાગ ન જાગે?

સઘળી વસ્તું ત્યાંની ત્યાં છે,

કિન્તુ મારી ‘લીલા’ ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : લીલા (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સર્જક : આસિમ રાંદેરી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ