aag - Nazms | RekhtaGujarati

કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,

આજે જે લાગ્યો છે કાળો ખરેખર સાચો.

આજકાલની વાત નથી, હું નથી અચાનક બળી,

વર્ષોનો સંતાપ હતો તે આજે ટાઢક વળી.

જન્મે દીકરો હોત ને હું તો જુદી બનતી વાત,

મળી મને તો ચકમક વચ્ચે જ્વલનશીલ એક જાત.

દહેજના કૂવામાં બાપુ આખેઆખો બૂડ્યો,

ત્યારે મારી અંદર ઊંડે પહેલો તણખો ઊડ્યો.

મહિયરની ભીનાશને હું વારેવારે વળગી,

તિરસ્કારની ફૂંકે ફૂંકે હું ના ત્યારે સળગી.

બળબળતી સંકુચિતતામાં ઢોળાયું અસ્તિત્વ,

ધીમે ધીમે બાષ્પ બની ને ઊડી ગયું વ્યક્તિત્વ.

રંગબેરંગી સપનાં જ્યારે થઈ ગયાં'તાં રાખ,

ખુલ્લું જોતી, છાનું રોતી પછી બળી'તી આંખ.

સમાધાનની જ્વાળાઓ ઇચ્છાઓને અડકી'તી,

હોંશભર્યા હૈયામાં ત્યારે આગ પછી ભડકી'તી.

રોકટોકના ધુમાડામાં ગૂંગળાતી મૂંઝાતી,

નિશ્વાસે નિશ્વાસે મારી પછી બળી'તી છાતી.

આવકનો આધાર ચડ્યો'તો આદતની અડફેટે,

ભીષણ અગ્નિ ભૂખનો ત્યારે પકડ્યો મારા પેટે.

ખૂટી સમજણ, તૂટી શ્રદ્ધા, સંકોચાયો સાથ,

હૂંફ વગરના, શુષ્ક થયેલા, પછી બળ્યા'તા હાથ.

રોજ હતાશા, રોજ નિરાશા, રોજરોજનું બળતણ,

બળી બળી ને બટક્યું અંતે, મન હતું જે કઠ્ઠણ.

બેકાબૂ આગ પછી તો નસનસમાં ફેલાઈ,

પીડા, વેદના મારાથી તો ના સહેવાઈ.

વર્ષો જૂની પ્રણાલી મેં નિભાવી રાખી,

કેરોસીન છાંટી દીધું ને આગ બુઝાવી નાખી.

રસપ્રદ તથ્યો

(કવિની નોંધ: પ્લાસ્ટિક સર્જરીની રેસીડેન્સી દરમિયાન, આત્મહત્યાના આશયથી પુષ્કળ પ્રમાણમાં બળી ને બર્ન્સ વોર્ડમાં આવતી સ્ત્રીઓનાં બયાન હું, (એક ડોક્ટર તરીકે ) અને ત્યાર બાદ પોલીસ અને મેજિસ્ટ્રેટ નોંધતા. વર્ષો પછી એમાંની એક સ્ત્રી પાસે જઈ ને મેં કવિ તરીકે પૂછ્યું, "બહેન, આ કેવી રીતે થયું?" ત્યારે એણે જવાબમાં જે કહ્યું તે આ નઝમમાં...)

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.