રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમને જોયાં ને થયું : કેવાં રૂપાળાં છો તમે?
રૂપ આપો સર્વને એવાં રૂપાળાં છો તમે!
સૂર્ય પણ તમને જ જોવાને નીકળતો હોય છે,
ને પછી આખો દિવસ ઇર્ષ્યામાં બળતો હોય છે.
ચંદ્ર તમને જોઈને પામે છે પોતાનો ઉજાસ,
ના જુએ તમને તો પૂનમરાત પણ લાગે અમાસ.
હોત નહિ તો એ બધા અંધકારમાં જીવતા ગરીબ,
તમને જોવાથી જ ચમકે છે સિતારાના નસીબ.
તમને જોયાં એ પછી કાળી ઘટા ઘેરાઈ ગઈ,
વીજળી પણ તમને જોઈને લથડિયાં ખાઈ ગઈ.
જ્યાં સુધી નહોતાં તમે, ખુદ ઝાંઝવાં તરસ્યાં હતાં,
વાદળો પણ તમને જોઈને પછી વરસ્યાં હતાં.
પથ્થરો ફાડીને ઝરણાંઓ નીકળતાં થઈ ગયાં,
તમને જોયા બાદ પર્વત પણ પીગળતા થઈ ગયા.
તમને જોવાથી સરિતાઓને વહેતાં આવડ્યું,
સાગરોને પણ ઉછળતા, મસ્ત રહેતાં આવડ્યું.
તમને જોયાં તો બગીચાની હવા બદલાઈ ગઈ,
પાનખર પોતે વસંતોમાં પછી પલટાઈ ગઈ.
તમને જોયાં એટલે સૌ ફૂલ છે આ બાગમાં,
ના જુએ તો એ હજી પણ શૂલ છે આ બાગમાં.
તમને જોવાથી સરોવરમાં કમળ ખીલી શક્યાં,
ગુપ્ત કાદવ પણ પ્રગટવાની કલા ઝીલી શક્યા.
તમને જોયાં એ પ્રથમ સંસાર પરદામાં હતો,
રૂપ પરદામાં હતું, તો પ્યાર પરદામાં હતો.
તમને જોયા બાદ સૌને એક નવી સૃષ્ટિ મળી,
થઈ ગયાં દર્શન પ્રથમ ને એક પછી દૃષ્ટિ મળી.
તમને જોયાં તો હૃદયનું ગીત રેલાઈ ગયું,
તાર મનના ઝણઝણ્યા, સંગીત રેલાઈ ગયું.
શાયરો પણ તમને જોઈને ગઝલ સર્જી શક્યા,
તમને જોયા તો અસલમાંથી નકલ સર્જી શક્યા.
તમને જોયાં એટલે મારી નઝમ બનતી ગઈ,
કલ્પના પોતે પછી મારી કલમ બનતી ગઈ.
તમને જોયા એટલે એક ભાવના થઈ ગઈ મને,
તમને જોયાં એટલે એક ઝંખના થઈ ગઈ મને.
આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.
પ્રકૃતિની જેમ જો હું પણ નિછાવર થઈ શકું,
તો વસું સૌંદર્યમાં ને હું ય સુંદર થઈ શકું.
તમને શોભાવું ને શોભું હું ય એવું સ્થાન લઉં,
તમને મારો સાથ દેવાનું સનાતન માન લઉં.
પણ મને કેવળ અલંકારો થવું ગમશે નહીં,
તન ઉપના માત્ર તહેવારો થવું ગમશે નહીં.
જ્યાં ગળા પર મોતીઓનો હાર લાગે છે મને,
દિલ ઉપર રહેતો અમૂલો ભાર લાગે છે મને.
હાથ પર જ્યાં કિમતી કંગન મને દેખાય છે,
એ બધાં સોહાગનાં બંધન મને દેખાય છે.
પ્રેમનો રણકાર કરતાં પગમાં ઝાંઝર હોય છે,
મારી નજરે એ બધા ચાંદીના પથ્થર હોય છે.
હોય મેંદીનો ભલે પણ રંગ કાયમનો નથી,
હાથમાં જે ના રહે એ સંગ કાયમનો નથી.
આંખોમાં આંજેલ કાજળ પણ લૂછાતું હોય છે,
કે નજર આપી નજરથી દૂર થાતું હોય છે.
કોક દી’ કુમકુમ કપાળેથી ખરી પણ જાય છે,
ભાગ્યનો સંબંધ હો તોયે સરી પણ જાય છે.
પ્રેમમાં આ રીતે બોજો કે બરડ બનવું નથી,
રૂપની આ ચેતનામાં મારે જડ બનવું નથી.
તમને મારો સાથ તો જીવંત હોવો જોઈએ,
તમને મારો સ્પર્શ તો સાદ્યંત હોવો જોઈએ.
હું બધું આવું વિચારી ગાલ પર તલ થઈ ગયો,
રહી ગયા ચંચલ બધા ને હું અવિચલ થઈ ગયો.
સાથ મારો દઈ દીધો ને સ્થાન મારું લઈ લીધું,
જ્યાં લીધું આસન ત્યાં આકર્ષણ તમારું લઈ લીધું.
તમને જોયાં હોત ના તો હોત હું દૂષણ સમો,
થઈ ગયો છું તમને જોયા બાદ આભૂષણ સમો.
સ્રોત
- પુસ્તક : સમગ્ર બરકત વીરાણી ‘બેફામ’ (પૃષ્ઠ ક્રમાંક 330)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2023