kon a samajavshe - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ એ સમજાવશે?

kon a samajavshe

કિશોર મોદી કિશોર મોદી
કોણ એ સમજાવશે?
કિશોર મોદી

હું ગગનચુંબી સમયનો આગિયો,

ને બુઝાતી ક્ષણ જિજીવિષાની છું,

વિસ્મયોને કોણ સમજાવશે?

હું પ્રતીક્ષાના ઝરુખાનો પવન,

ઓરડામાં શૂન્યતા મ્હેક્યાં કરે,

પગરવોને કોણ સમજાવશે?

હું અપેક્ષાનાં નયનનું પંખી છું,

રેશમી એકાંતમાં ટહુકી જઈશ,

પાંપણોને કોણ સમજાવશે?

હું અતીતના માનસરનો હંસ છું,

બર્ફની પાંખોમાં સ્મરણો સાચવું,

વાદળોને કોણ સમજાવશે?

હું ક્ષિતિજનું સપ્તરંગી શિલ્પ છું,

સ્પર્શના વેરાનમાં નિઃશબ્દ છું,

અક્ષરોને કોણ સમજાવશે?

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010