chhelli pararthna - Nazms | RekhtaGujarati

છેલ્લી પ્રાર્થના

chhelli pararthna

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
છેલ્લી પ્રાર્થના
ઝવેરચંદ મેઘાણી

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસૂડાંઓ:

સમર્પણ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે'જે!

ગુમાવેલી અને સ્વાધીનતા તું ફેર દેજે!

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે રે'જે!

પ્રભુજી! પેખજો છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું-

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!

દુવા માંગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું.

નથી જાણ્યું અમારે પંથ શી આફ્ત ખડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,

જીવે મા માવડી કાજ મરવાની ઘડી છે.

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,

જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારાઃ

સમર્પણ હો, સમર્પણ હો તને સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી -આપ દીવો લૈ ઊભા જો!

ભલે રણમાં પથારી -આપ છેલ્લાં નીર પાજો!

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

(1930)

રસપ્રદ તથ્યો

[આયરિશ વીર [ટેરેસ] મેક્સવીનીના એક ઉદ્ગાર પરથી સૂઝેલું. [એ ઉદ્ગાર આ હશે(?): It is not those who can inflict the most, but those who can suffer the most, who will prevail. - આખરે જીત સૌથી વધુ યાતના આપનારાઓની નહીં બલકે સૌથી વધુ યાતના સહન કરનારાઓની થશે.] સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્દમો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મૅજિસ્ટ્રેટ મિ. ઇસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમની અનુજ્ઞાથી ગાયેલું તે. *** ‘સૌરાષ્ટ્ર'ના તા. 3-5-1930ના અંકમાં પ્રગટ થયેલો ધંધુકાની અદાલતનો અહેવાલ : શ્રી મેઘાણીએ પોતાનું નિવેદન વાંચ્યું... ત્યારબાદ તેમણે કોર્ટની પરવાનગી માગી કે ‘મારે એક પ્રાર્થના ગાવી છે, પરવાનગી હોય તો ગાઉં. ' કોર્ટે રજા આપી. શ્રી મેઘાણીના છાતીનાં બંધ આજે તૂટી ગયાં હતાં. આર્ત સ્વરે એમણે પ્રાર્થના ગાઈ : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ, મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાઓ : સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ! ...જેમ જેમ પ્રાર્થના આગળ ચાલી, તેમ તેમ એ માનવમેદની પૈકીની સેંકડો આંખો ભીની થવા માંડી અને એ પ્રાર્થના માંડ અડધી ગવાઈ-ગવાઈ નહીં પણ શ્રી મેઘાણીનો આર્તનાદ અડધો સંભળાયો. ત્યાં તો સેંકડો ભાઈ-બહેનોનો આંખો રુમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો નીચે છુપાઈ, અને પછી – પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું- એ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટનો ઓરડો, ઓરડાનાં દ્વારોમાં ખડકાયેલાં ને ચોમેર ઓસરીમાં ઊભેલાં ભાઈ-બહેનોનાં ડૂસકાં પથ્થરને પણ ચીસો પડાવે તેવી રાતે હીબકવા લાગ્યાં ને પછી તો મોંછૂટ રુદનના સ્વરો ગાજવાં માંડ્યા અને છેલ્લે સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા. એ પંક્તિઓ આવી. [એ પછી] શ્રી મેઘાણી... પોતાના આસને બેઠા, ત્યારે તો ખરેખર એ માનવ-મેદની રોતી જ હતી. દસેક મિનિટ તો કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું.]

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997