khanagi patr - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખાનગી પત્ર

khanagi patr

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
ખાનગી પત્ર
સૈફ પાલનપુરી

વર્ષોથી સંગ્રહી રાખેલી દિલની વાત જણાવું છું,

મમતા રાખીને સાંભળજો–હું તમને બહુ ચાહું છું.

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,

મુજને બેચાર પળોમાં જીવતર જેવું લાગે છે.

જે જે સાડી પહેરો છો સર્વે રંગ પસંદ છે.

કોઈને જો ના કો’ તો કહી દઉં, અંગેઅંગ પસંદ છે.

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી.

મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી.

મારી વાત હશે એમ માની હું હરખાઉં છું મનમાં,

વડીલ જેવું કો’ક મળે તો બહુ શરમાઉં છું મનમાં.

પગલાં જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું,

સાચું કહી દઉ મનમાં તો હું ફેરા રોજ ફરું છું.

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે,

એવી હાલત થાય છે બસ મિત્રો મને સંભાળે છે.

કેવાં જાલીમ છો કે મુજને દિવસભર તરસાવે છો,

કેવાં સારાં છો કે રાતે સ્વપ્નાંઓમાં આવો છો.

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં,

કહેવાનું બસ કે તમથી છાની પ્રીત કરી છે મેં.

પણ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી,

કોને નામે પત્ર લખ્યો છે મને સમજાતું નથી.

પ્રેમિકા વિશે મેં થોડુંક વાંચ્યું છે ને વિચાર્યું છે,

એના બળ પર રીતે મેં જીવનને શણગાર્યું છે.

એક ઇચ્છા છે કે મારો પત્ર બધાંને કામ આવે,

પોતાની પ્રેમિકાને સૌ રીતે સમજાવે.

દુનિયાના સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું,

મારા શબ્દો વાપરવાની છૂટ બધાંને આપું છું.

શબ્દો મારા પ્રેમ તમારો– બન્નેનો સંયોગ થશે,

તો જીવનમાં કવિતાનો સાચો સદ્ઉપયોગ થશે.

મળી હો કોઈને એવી જાગીરદારી મળશે,

દુનિયાની સૌ પ્રીતમાં મુજને ભાગીદારી મળશે.

ખાનગી છે પણ પત્ર મારો વંચાઈને રહેશે,

મારા પછી પણ મારી વાતો જળવાઈને રહેશે.

સ્રોત

  • પુસ્તક : ઝરૂખો (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 3