e sarw ratrio - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ સર્વ રાત્રિઓ...

e sarw ratrio

હરિહર જોશી હરિહર જોશી
એ સર્વ રાત્રિઓ...
હરિહર જોશી

ઝરૂખાના ઝૂકેલા બધા વળાંકો ઉપર,

પ્રલંબ આશ્લેષમાં ડૂબેલ નમણી વેલ હતી.

ચોતરફ ખોખલાં ખંડેરની વસતી વચ્ચે,

હવેલી એકલી જાણે કે ઝૂરતી ઢેલ હતી!

રાતોમાં બધી વેદનાઓ ટોળે વળી,

નીતરતી ચાંદનીમાં ઓળઘોળ ભળતી’તી

થીજેલી ઝંખના ફૂલોના શુષ્ક હોઠો પર,

પરોઢી ઓસ જેવી ધીમે, ધીમે ગળતી’તી!

સર્વે રાર્ત્રિઓ, કોઈ કિરાતી કન્યાશી,

સમીપ આવીને હળવેથી રણઝણતી હતી

મરાલ ટોળીઓ સૂતેલા સરોવર વચ્ચે,

કથાઓ આપણી ધીમેશથી ગણગણતી હતી!

જેના આધારથી મારી તરસને લિપિ મળી,

પીડાઓ હતી, તારી દૂ...રીનો તરજુમો

મેં વિશ્રંભ વારતાઓ સ્હેજ હજી માંડી ત્યાં,

ગળે અટકી ગયો’તો કોઈ રઝળતો ડૂમો.

મને યાદ છે: તારી ઉદાસ આંખોમાં

ઝાકળ જળ રચી જાતાં’તાં સુંવાળા પુદ્ગલ

વિહ્વળતાને ભૂંસી નાખતી હર પળ વચ્ચે

મળ્યા’તાં હર પડાવે કૈંક ભટકતાં યુગલ

મને યે યાદ છે કાચીકુંવારી નદીઓ પણ

સફરમાં નીસરીને પળે પુખ્ત થઈ

જે ગુમરાહ થઈ’તી એય પહોંચી દરિયે પણ,

જે અવઢવમાં રહી’તી રણમાં લુપ્ત થઈ!

પછી મેં નીલગિરિ વૃક્ષોની પેલી હાર તરફ,

ગમગીન રાતના આકાશને હડસેલી દીધું.

છલોછલ પ્રેમપત્રોથી ભરેલી પેટીમાં,

ઝૂરવું રાત, દી’નું સાવ ધીમે મૂકી દીધું!

તને યાદ છે! ક્યારેક મેં પૂછ્યું’તું તને!

વિતેલી ક્ષણને બીજી ક્ષણથી કેમ જોડીશ તું!

ચડેલી હાંફમાં ચૂભશે તને થોરીલો સમય,

અતીતના ક્રૂર પ્રપંચોને કેમ રોકીશ તું!

પછી, તો આગિયા ચાલ્યા ગયા’તા દેશવટે

સળગતાં મૂકીને પાછળ બધાં તમાલવનો

અંગત અર્થ જે આપ્યો હતો પ્રતીક્ષાને,

વિસ્મિત આંખથી જોઈ રહ્યા’તા સર્વ જનો!

પછી હું શહેરના હર એક રસ્તા પર,

ભગવી સાંજનું આકાશ ઓઢી ફરતો’તો

ઊઠેલા સોળ જેવાં સપનાનું ઇનામ લઈ,

ગમતી રાતને ગુલાલ હુંય કરતો’તો

અને જે વાત અંગત મારે રાખવાની હતી,

કદાચિત્ ખૂલશે કાલે કોઈ સવાલોમાં

તારી વાતનો મોઘમ કોઈ ઉલ્લેખ થશે

ભ્રમ એવોય લોકો સેવશે જવાબોમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1999 (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000