bijun gagan - Nazms | RekhtaGujarati

વેદનાભરપૂર ચિંતાતુર મન આપો મને,

આપની આંખોનું ઘેરું સંવનન આપો મને;

જીભ પર વહેતું મહા કો સંસ્તવન આપો મને,

આપના સૌંદર્યનું હરપળ મનન આપો મને;

આપના આગારમાં કાયમ વતન આપો મને.

ઝેર આખા વિશ્વનું હું ગટગટાવું એકલો,

આંખથી સૌની વતી અશ્રુ વહાવું એકલો;

સાજ બ્રહ્માંડનાં સૌયે બજાવું એકલો,

બોજ આખા વિશ્વનાં દુઃખનો ઉઠાવું એકલો;

આપને ફરિયાદ કરવા જો કવન આપો મને.

આપની કાતિલ જફાના ઘાવનું ઈનામ લઈ,

ને હકીમોના સકળ ઉપચારને ત્યાગી જઈ,

દર્દથી બેહોશ થઈને હસ્તીથી આઝાદ થઈ,

હું પહોંચી જાઉં મારા દેહની મૈયત લઈ,

આપ જો પાલવતણું એક કફન આપો મને.

આજ નયનો રડે છે આપ વિરહે ઝારઝાર,

આજ મારું દિલ બન્યું છે આપના વિણ બેકરાર,

આજ તો હૈયે ચડે છે અનાદિનો કરાર;

સારી દુનિયા પર સવારે હું ખિલાવું નવબહાર;

રાતભર સાન્નિધ્યનું એક સપન આપો મને.

આપના જાદુની વાતો જઈ સુણાવું દર-બ-દર,

સારી મહેફિલને બનાવું અસ્મિતાથી બેખબર;

ભેદની દીવાલની ખોદી લઉં ઊંડી કબર,

મંદિરો ને મસ્જિદોનાં વીજ થઈ તોડું શિખર;

ઉડ્ડયન થઈને રહે એવું પતન આપો મને.

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,

મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;

ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,

હોડી મારી લઈ જઉં હું ડૂબવા-મઝધારમાં;

આપ જો સુકાન ધરવાનું વચન આપો મને.

આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,

ને નજર પ્રતિબિમ્બ પાડી વિશ્વપર ઝૂમી રહી;

જ્યાં ફરે ત્યાં સરહદોની ડારતી ભૂમિ રહી,

પાંખ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી;

ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960