kokanun Dabalun - Nazms | RekhtaGujarati

કોકનું ડબલું

kokanun Dabalun

રઈશ મનીઆર રઈશ મનીઆર
કોકનું ડબલું
રઈશ મનીઆર

પડેલું એક ડબલું વચાળે રસ્તાની

ક્દાચ કોઈએ ફેંક્યું હશે નકામું ગણી

પડી ગયું હશે અથવા કોઈના હાથેથી

સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા

ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું

દબાયેલું હતું વચ્ચે, હો ભિખારીનું પેટ!

ડગુમગુ થતું માણસના અંતરાત્મા સમું

પ્રવાહી ટપકી રહયું’તુ સડક ઉપર, જાણે

ઘવાઇને પડ્યો હો રાહદારી ખૂનથી તર

કોઇનો પગ જરા વાગે તો ફંગોળાઈ જતું

નસીબ હોય જાણે કોઈ અભાગિયાનું

વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું

સાત વર્ષનું ભોળું કોઈ શિશુ આવ્યું

નિહાળતું રહ્યું ડબલાને ખૂબ અચરજથી

ને બૂમ પાડીને બીજા શિશુને બોલાવી

મળીને બન્નેએ નિશબ્દ થોડી ચર્ચા કરી

ને એક્બીજાની આંખોમાં જોઈ લીધી ચમક

ગણી દડો પછી ડબલાને લાત મારી જરા

ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું ખસ્યું

મજા પડી તો શિશુઓએ તાળીઓ પાડી

રમતનું એક જો સાધન મળ્યું નવું નવલું

વગર નિમંત્રણે બીજા શિશુઓ જોડાયા

ખાલી ટીનનું હોવું સભર થયું આજે

એજ ડબલું છે જેનાથી હું ઉદાસ થયો

ને ડબલાથી ચહેકી ઊઠ્યું જીવન જાણે

બસ એક ડબલાને જોવાની રીત જુદી હતી.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.