pritamni olkhan - Nazms | RekhtaGujarati

પ્રીતમની ઓળખાણ

pritamni olkhan

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
પ્રીતમની ઓળખાણ
સૈફ પાલનપુરી

નથી જોયો પ્રીતમનો મીટ માંડીને કદી ચહેરો,

સખી! એકાંતની હંમેશ મેં તો લાજ રાખી છે.

પરિચય એમનો પૂછીને મારી પર જુલમ ના કર.

હંમેશાં એમની સામે મેં નીચી આંખ રાખી છે.

હૃદયનો ખૂબ ઇચ્છે છે કે બસ જોયા કરું કિંતુ,

નજીક આવે છે તેઓ તો તરત શરમાઈ જાઉં છું.

સ્વપ્ન સાકાર થઈને સામે આવીને ઊભા રે’છે.

અને હું છું કે બંધ આંખો કરી ખોવાઈ જાઉં છું.

સખી મારી બંધ આંખોએ જે જે દૃશ્યો જોયાં છે,

તું સમજી નથી શકતી, અને હું કહી નથી શકતી.

પ્રીતમની ને પ્રભુની ઓળખાણો એક સરખી છે,

અનુભવ થઈ શકે છે પણ નિવેદિત થઈ નથી શકતી.

વદન કેવું છે, કેવાં છે નયન ને હોઠ છે કેવા?

સખી પારકાં સ્વપ્નાં છે એમાં કેમ રાચે છે?

બનું છું ભાન ભૂલી માત્ર શીર્ષક જોઈ એનું હું,

અને તું છે કે આખી વાર્તાનો મોહ રાખે છે.

ક્ષમા કરજે મને બહેની તને જો માઠું લાગ્યું હો

કહેવાની ઘણી વાતો તને આજે કહી ગઈ છું.

કોઈ એવી કલાથી મારા મનમાં મોર નાચ્યાં છે,

કે હું તો મારી પોતાની સિદ્ધિથી ડરી ગઈ છું.

નથી મળતો તને ઉત્તર છતાં તું રોજ પૂછે છે?

હું સમજું છું સખી તારી ચંચલતા કુતૂહલતા;

જવાની બોલતી થઈ છે! પ્રણય પણ આવશે નક્કી,

રસિક એકાંતની સર્જાઈ રહી છે પૂર્વ-ભૂમિકા.

કોઈ સત્વર પધારે તારા જીવનમાં હું ઇચ્છું છું.

હું ઇચ્છું છું જીવન તારું સળંગ એક ગીત થઈ જાએ;

જગતના સર્વ પ્રશ્નોના મળી જાએ તને ઉત્તર

ખરેખર છે દુવા મારી તને પણ પ્રીત થઈ જાએ.

વદન કેવું છે? કેવાં છે નયન ને હોઠ છે કેવા?

પછી તું કોઈ દી આવીને પ્રશ્નો નહિ પૂછે;

પ્રીતમની રૂપ-રેખા એવી નજરોમાં વસી જાશે

વધુ પડતું હશે કાજલ તો પણ તું નહીં લૂછે.

અને જોઈ લે કોઈ છબી નયનોની માટે

વિના કારણ તું વારંવાર આંખોને મીંચી લેશે

અને બંધ આંખોના અનુભવને પ્રતાપે તું

જગતના સૌ પ્રીતમને પ્રેમપૂર્વક ઓળખી લેશે.

સ્રોત

  • પુસ્તક : ઝરૂખો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 3