koini palawiknari chhe - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈની પાલવિકનારી છે

koini palawiknari chhe

અનંતરાય ઠક્કર 'શાહબાઝ' અનંતરાય ઠક્કર 'શાહબાઝ'
કોઈની પાલવિકનારી છે
અનંતરાય ઠક્કર 'શાહબાઝ'

તમારા રૂપની નયનો મહીં ઘેરી ખુમારી છે,

નસેનસ તાર છે, હર તારમાં એક ધ્રુજારી છે;

અખંડિત જ્યોતની કો આરતી હરનિશ ઉતારી છે,

તમારે તો ભલે મારા સમા લાખો પૂજારી છે;

હૃદયમંદિર મહીં એક વસી પ્રતિમા તમારી છે.

હૃદયના દર્દનો બીજો હવે ઇલાજ ના કરશો,

અને આયુષ્યની બાકી પળો તારાજ ના કરશો,

સુંવાળા શબ્દ બોલી અશ્રુને નારાજ ના કરશો,

થઈ મધરાત જાણી દ્વારબંધી આજ ના કરશો,

હજુ દ્વારે ઊભેલો એક બાકી ભિખારી છે.

સકળ ઉત્ક્રાંતિક્રમ છોડી અનોખી શક્તિને વરવા,

સદા સાન્નિધ્યમાં રહીને અનોખી ભક્તિને વરવા,

પિસાઈ પ્રેમ-ઘેરા રંગની સંપત્તિને વરવા,

તમારાં મહેકતાં ચરણો ચૂમીને મુક્તિને વરવા,

ખીલેલી મેંદીએ નિજ રક્તની ધારા વહાવી છે.

કંઈ જોગંદરો, કૈં ઓલિયા તમ બારણે આવ્યા,

સમાધિ છોડીને જગમાં તમારા કારણે આવ્યા,

મીરાં, ચિશ્તી અને મનસૂર જગને પારણે આવ્યાં,

અમે સુરલોકથી ઊતરી તમારે બારણે આવ્યા,

અમારી ને તમારી કો’ પુરાણી એક યારી છે.

ગગનમાં કૂજતાં કો કિન્નરોનાં સાઝ પૂછે છે,

સમાધિમાં રહેલા યોગીની પરવાઝ પૂછે છે,

સદા ઘૂઘવી રહેલા સાગરે આવાઝ પૂછે છે,

મઢેલા આભ પર પહોંચી કોઈ 'શાહબાઝ' પૂછે છે,

‘અહીં આસમાન છે કે કોઈની પાલવિકનારી છે?’

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960