રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ખુદાના શુકર છે
khudana sukar chhe
મકરંદ દવે
Makarand Dave
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
કહો આજ બેલી, ખુદાના શુકર છે.
ભલે આજ રંગીન બાગો બળે છે,
ભલે ખાખ થાતાં સપન ઓગળે છે,
છતાં એક નાનું અહીં ખિલખિલે છે-
જુઓ બાળ માની આ છાતી ઉપર છે!
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
દમેદમ ભલે મોત આંટા ફરે છે,
લડીને પડીને આ માનવ મરે છે,
છતાં કોઈને હાસ હોઠે તરે છે-
જુઓ ફૂલ કેવાં કબરની ઉપર છે!
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
અરે હોય બેલી, કાં ડૂકી પડે છે?
શિયાળા સહીને વસંતો જડે છે,
પછી જિંદગાનીયે જીતે ચડે છે-
હજી ચાંદ કેવો રૂપેરી ઉપર છે!
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
સ્રોત
- પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 146)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2010