ek nameri wriddhne maltan - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક નામેરી વૃદ્ધને મળતાં

ek nameri wriddhne maltan

નલિન રાવળ નલિન રાવળ
એક નામેરી વૃદ્ધને મળતાં
નલિન રાવળ

ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર

મારા ઉપર

હું વૃદ્ધ આંખોમાં ભરી મણ એક ઘેરી ઊંઘની ઊંડી અસર

(જ્યાં અગ્નિનું અંજન સ્વયં હું આંજતો)

અંધારના મખમલ મુલાયમ પોત શા

મારા સુંવાળા વાળ

આજે રૂખડા

સુક્કા તણખલા ઘાસના ટુકડા સમા

અહીં તહીં જરી ફરકી રહ્યા.

જાડી કશી બેડોળ કૈં રે દોરડા જેવી ડઠર

મારી નસો સૌ સામટી ઊપસી રહી

(જેની મહીં વેગે વહેતા મત્ત મારા રક્તમાં

શત સૂર્યની ઉષ્મા હતી)...

‘મળશું કદી’ કહી તે નલિન ચાલ્યો ગયો...

કોલાહલોની ભીંસથી તૂટું તૂટું થઈ રહ્યા

રસ્તા પરે

‘મળશું નકી’ બબડી કશું હું મૂઢ

વર્ષો વીસ મૂકી ક્યાંક મારાં ભૂલમાં

હું ભૂલમાં આગળ અને આગળ કશે ચાલ્યો જતો...

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004